પરીચય | અમારા વિશે | જીલ્લા સર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
પરીચય | અમારા વિશે | જીલ્લા સર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

પરીચય

ગેઝેટિયર એટલે શુ ?

સરકારી અને બિનસરકારી સંસ્થાઓ તેમજ ભણેલા વર્ગમાં આજે પણ 'ગેઝેટિયર' એટલે શું ? તેની ઝાઝી જાણકારી નથી. કેટલાક લોકો તેને સરકારનું ગેઝેટ - રાજપત્ર સમજે છે, જયારે કેટલાક લોકો એને સરકારનો પ્રગતિરીપોર્ટ સમજે છે. પરંતુ 'ગેઝેટિયર' એ આ બંનેમાંથી એકેય નથી. અંગ્રેજીમાં To Gazette એટલે સંગ્રહ કરવો એવો અર્થ થાય છે. એટલે ગેઝેટિયર (Gazetteer) શબ્દ પણ ગેઝેટ (Gazette) ઉપરથી જ બન્યો છે. એટલે જ એને ગુજરાતીમાં 'સર્વસંગ્રહ' કહેવામાં આવે છે. આમ, જુદા જુદા વિષયો અંગેની સર્વગ્રાહી અને આધારભૂત માહિતી એક સાથે એક જ ગ્રંથમાં રજૂ કરતું બીજું કોઇ પ્રકાશન હજુ આપણી પાસે નથી. પ્રત્યેક ગેઝેટિયરમાં સમાવૃષ્ટિ મુખ્ય વિષયોની પ્રકરણવાર યાદી જોતાં આ હકીકત સ્પષ્ટ થશે. ગુજરાતના દરેક જિલ્લાની ભૌગોલિક વિશિષ્ટતાઓ કઇ કઇ છે? ત્યાંની ભૂરચના કેવા પ્રકારની છે? ત્યાંની ખનિજ સંપત્તિ, પશુ, પંખીઓ વગેરે વિશે ભૂગોળમાં રસ લેનારાઓને જાણવાની ઇચ્છા થાય. ઇતિહાસના જિજ્ઞાસુઓને જિલ્લાના ઇતિહાસનું, પૂર્વ પ્રાચીન અને પ્રાચીનકાળથી માંડીને અર્વાચીન સમય સુધીનું કડીબધ્ધ આલેખન વાંચવાનું મન થઇ આવે. એજ રીતે જુદા જુદા જિલ્લાઓમાં વસતા લોકો, એમની સંસ્કૃતિ, એમના રીતરિવાજો, એમના રહેઠાણો, એમનો ખોરાક અને પહેરવેશ, આભૂષણો મેળાઓ જોવાલાયક સ્થળો તથા ઉત્સવો વિશે પણ જાણવાની જિજ્ઞાસા અનેક જિજ્ઞાસુઓને થઇ આવે છે.

એ જ રીતે અર્થશાસ્ત્રના અભ્યાસીઓને જિલ્લાની વિવિધ આર્થિક બાબતો વિશે જાણવાનું મન થાય. ત્યાં ખેતીવાડીની સ્થિતિ કેવી છે? મુખ્ય પાકો કયા કયા છે? ગુજરાતના ખેતી ઉદ્યોગમાં સંબંધિત જિલ્લાનું પ્રદાન કેવું અને કેટલું છે? કયા કયા ઉદ્યોગો ત્યાં વિકસ્યા છે તથા કયા પ્રકારના ઉદ્યોગો વિકસી શકે તેમ છે? નાણાકીય કાર્યો કરતી સંસ્થાઓ કઇ અને કેવા પ્રકારની છે? વેપારધંધા રોજગારો કયા કયા છે? આવી અનેકવિધ માહિતી મેળવવાની રાજયનાં વિકાસમાં રસ ધરાવનાર સાડા પાંચ કરોડની ગુજરાતની જનતા પૈકી કોઇને પણ ઇચ્છા થાય. ભૂગોળના જિજ્ઞાસુઓ અને ઇતિહાસકારો, અર્થશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રિઓ, સામાજિક કાર્યકરો, કેળવણીકારો અને વહીવટકર્તાઓ, શિક્ષણ અને સંશોધન કાર્યમાં રોકાયેલ સંસ્થાઓ સર્વેને અનેકવિધ માહિતી પૂરી પાડતો એક માત્ર અધિકૃત (Authentic) અને આધારભૂત ગ્રંથ એટલે જિલ્લા ગેઝેટિયર.

back to top